-->

Join WhatsApp

ગામડું પણ Village થઈ ગયું!

ગામડું એટલે ગામડું



                        ગામડા ના લોકો ની માણસાઈ, એનું ભોળપણ,એની ખુમારી, એનું સામે મળે ત્યાર નું મલકવું, એનો પહેરવેશ, એ ધુળીયા મારગ, એ નદી નો આરો, એ કૂવા ના પાણી, એ સંધ્યા આરતી, એ વેલી હવાર ના પ્રભાતિયાં, એ ગાયું ના ધણ, એ રોટલા ડુંગળી અને મીઠા નું ભાતું, એ છાહ ની દોણી, એ વલોના નું માખણ, એ ભામભરતી ભેંસ,એ બળદ ગાડા ની ચિચ્યારી, એ માથે બળતણ નો ભારો,એ બતાકા માં દેશી ગોળ નો ડબરો, એ માટી ના ગોરા નું પાણીયારું,

                           એ પાણી ની હેલ, એ ધોળીયા માં છબછબિયાં, એ ફાટેલ લૂગડાં નો ચાડીયો,એ અડધી રાયતે શિયાળ ના અવાજ, એ કતાર બંધ કુંજડિયું નું ઉડવું, એ મોરલા ના ટહુકા, એ કુએ સિચેલું પાણી, એ ગોફણ નો ઘા, એ તાજા દૂધ ની બોઘેણી,એ મહેમાનગતિ, એ ટોપરાપાક અને લાહા લાડવા, એ ટ્રેકટર કે ટ્રક માં જાન, એ પાધર ના સામૈયા,એ ઈસ્ટીલ ની અડારી નો ચા, એ પંગત નો જમણવાર, એ મીઠા મોઢા કરાવવાનો રિવાજ, એ લીમડા નો છાયો, એ વડ ની વડવાઈ, એ આબલી પીપળી,એ શીરામણ  અને વાળું, એ બાવળ ની શીંગુ,એ વડ ના ટેટા, એ મીઠું મરચું ભભરાવેલુ વડલા નું પાન, એ નદી ના ધુબાકા, એ ધોળી ટોપી વાળા વડીલો, એ છૂંદના વાળા બહેનો, એ લગ્ન ગીતો, એ ફટાણા,  એ ઍબેસેડર માં વરરાજા નો માભો, એ જાનૈયા નું જમ્યા પછી પાન ની દુકાને તૂટી પડવું, એ ઠેરી વાળી સોડા, એ મોહનથાળ ના બટકા,


                     એ દિવાળી એ નવી જોડી, એ હોળી ના ચોરેલ લાકડા, એ સંક્રાંતિ ની પ્રસાદી, એ રામનવમી ની પંજરી, એ જમાષ્ટમી નો મેળો,એ નોરતા ના ગરબા, એ ભાઈ ઓ ના રાસ,એ નિહાળ નો ઘંટ, એ પાચયા ની પીપર, એ ઠીકરા ની પાટી, એ પાણી પોતું, એ વાર્તા એ વાર્તા ભાભો ઢોર ચારતા, એ લેશન માં લાડવો ને બેન ની ઘરે માંડવો, એ માસ્ટર ની સોટી ને અધૂરા લેશન, એ ભરત ભરેલું દફતર, એ ચડી બુસ્કોટ અને ઉઘાડા પગ, એ મોટી બા ની વાર્તા, એ મામા નું ઘર, એ આખા વરહ માં લીધેલ એકાદ રમકડું, એ ખો ખો ને કબડી, એ મોય દાંડિયા, એ ચૂલા ના તાપણા, એ છાણ નું લીપણ, એ લોકગીતો, એ ડાયરા. ......

             અનેક અનેક યાદો છે...જે આવતા સમય માં ક્યારેય માણી નહીં શકાય..... યાદે યાદે બસ યાદે રહ જાતી હૈ હવે તો મારું ગામડું પણ વિલેજ થઈ ગયું સે.


મહેમાન - પરોણા ... ગામડાની મહેમાનગતિ 


"ઘરે મહેમાન આવે એટલે 'બા કબાટ માંથી સારાં માયલું ગાદલું કાઢે અને તેના ઉપર નવીનક્કોર ચાદર પાથરે.. બા આવી તરખડ કેમ કરે છે ! અમે આવું પૂછીએ એટલે મારી અભણ બા કહેતી કે આંગણે મહેમાન ક્યાંથી !

  અતિથિ તો ભણેલો ગણેલો શબ્દ હતો. પણ, અમારા પંથકમાં મહેમાન માટે પરોણા કે મે'માન

 શબ્દનો મોટાભાગે ઉપયોગ થતો. ગામડું નાનું હોય એટલે એકબીજાના મહેમાનને ગામ ઓળખતું હોય એટલે ગામ ઝાંપેથી જ ગામમાં સામા મળતા લોકો દ્વારા રામ- રામ કરીને આવકારવા નું શરૂ થઈ જાય. કોઈ ન ઓળખતું હોય તો રામ - રામ કરીને મહેમાનની ઓળખ પણ પૂછે. બધું સાવ સહજ ભાવથી...

                 મોટાભાગે ઓસરી કે ડેલીમાં મહેમાનને ખાટલો ઢાળી આપવામાં આવે. ગામડાઓ ખેતી પ્રધાન હોવાથી જ્યારે પણ ખેતીની ઓફ સીઝન હોય ત્યારેજ મોટાભાગે ગામતરા કરવામાં આવતા.

 કદાચ ઘરના લોકો મહેમાન ને મોકળાશથી પૂરતો સમય આપી શકે તેવો આશય હશે. મહેમાન આવે એટલે સહેજે બે દિવસ રોકાય. રાત્રે અડખે પડખે થી પાડોશીઓ મહેમાન પાસે બેસવા આવે. અને અલક- મલક ની વાતો નો દોર જામે.ક્યારેક રાત્રે બે ત્રણ વખત ચા - પાણી પણ થાય. મહિલા વર્ગ પણ ઓસરી ના એક ખૂણે બેસી બધું સાંભળે.

                   વાત - વાતમાં કોના દીકરા દીકરી સગપણ કરે એવડા થયા તેની જાણકારી લેવાય. સારું ઠેકાણું હોય તેની ભલામણ પણ થાય.દિવસનો સમય તો મહેમાનનો ગામમાં બીજાને ત્યાં ચા - પાણી પીવા જવામાં પસાર થઈ જાય. મહેમાન માટે મોટાભાગે કંસાર બનાવવામાં આવે. દેશી ઘીની રેલમછેલ અને જુવારના પાપડ અને એકાદ તીખું શાક હોય. ત્યારે કશુંય બજારમાંથી તૈયાર લાવવાનો રિવાજ નહોતો શરૂ થયો. મહેમાનને સમ દઈ ને ભાવથી જમાડવામાં આવતા.

                       મારા સમ અને તમારા સમ હવે બીજીવાર તાણ નહિ કરું એવું કહીને પણ આગ્રહ પૂર્વક મહેમાનને જમાડવામાં આવતા. ત્યારે ગેસ્ટ શબ્દ પ્રચલિત નહોતો થયો. સાવ સરળ ભાવ સાથે મહેમાન નવાજી કરવામાં આવતી. કુટુંબીઓ મહેમાનને સાંજ નું કે બપોરનું જમવાનું કહેવા આવતા. આમ મહેમાનનું જમવાના ટંક પણ કુટુંબમાં વહેચાઈ જતા. મહેમાન આવ્યાનો હરખ સહુના ચહેરા ઉપર વરતાઈ આવતો.

                   મહેમાન સાથે એ દિવસો ક્યારે વીતી જતાં એ ખબર પણ ન રહેતી. ને એક દિવસ મહેમાન રજા માંગતા અને થેલી હાથમાં લેતાં ત્યારે આગ્રહ પૂર્વક થેલી પાછી લઈને ખીંટીએ ભરાવી દેવામાં આવતી કેટલીયે વખત જોઈ છે. એકાદ દિવસ વધારે રોકાઈ જવાનો તેમાં આગ્રહ રહેતો. 


• આજે એપોઈન્ટમેન્ટ કલ્ચર વિકસ્યું છે ત્યારે વગર જાણ કરે ઓચિંતા આવતા મહેમાન અને તેમનું બે - ચાર દિવસનું રોકાણ અત્યારની પેઢીને અજુગતું લાગતું હશે ! પણ, એ સબંધો અને માનવીય સંસ્કૃતિના તાણાવાણાનો એક ભાગ હતી મહેમાનગતિ.

                     અને એક દિવસ મહેમાન વિદાય લેતા ત્યારે ઝાંપા સુધી સહુ વળોટાવા જતાં. આજે તો પગમાં પૈડાં લાગી ગયા હોય તેમ માણસને દોડવું પડે છે. પહેલા જેટલી હવે નિરાંત પણ નથી રહી. એ જમાનામાં વાહન વ્યવહાર નહિવત હતો. અને મોટાભાગે પગપાળા મુસાફરીનો સંજોગ વધુ રહેતો. એટલે વરસે દહાડે એકાદ વખત મહેમાનગતિએ નીકળવાનું બનતું.

                 આજે ફાસ્ટ જમાનામાં વાહન વ્યવહાર ઝડપી થતાં ગામડાઓ વચ્ચેના અંતર ઘટ્યાં છે. એટલે પહોચવું સરળ બન્યું છે. પરંતુ, ખરબચડી ભીંત ઉપર વાદળી રંગની ગળીથી 'ભલે પધાર્યા' ગામડાઓના ખોરડાં ઉપર લખેલું આજે પણ જ્યારે વાંચવા મળે છે. ત્યારે, અંતરમાં હરખનું અજવાળું પથરાય છે. 

એ અજવાળાને ક્યારેય અમાસ નથી આવવાની.


આ પણ વાંચો કેદારનાથ ભગવાન શિવ મંદિર નો ઇતિહાસ