-->

Join WhatsApp

કાકાસાહેબ કાલેલકર

 કાકાસાહેબ કાલેલકર (ઈ.સ. 1885-1981)

: દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રમાં સતારા ખાતે થયો હતો. તેઓ 1907માં ફ્લિસૂફી વિષય સાથે બી.એ. થયા હતા. સ્વામી આનંદ સાથે તેમણે હિમાલયની 2200 માઈલની પગપાળા મુસાફરી કરી હતી. આ પ્રવાસે તેમનાં રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ અને પ્રકૃતિપ્રેમને કાવ્યમય એકત્વ અર્પી તેમના વ્યક્તિત્વને ખીલવ્યું. ગાંધીજીના વિચારોમાં તેમને પોતાનું રાષ્ટ્રોદ્વારનું સ્વપ્ન સાકાર થતું લાગેલું. તેથી રવીન્દ્રનાથની રજા લઈ તેઓ શાંતિનિકેતન છોડીને ગુજરાત આવ્યા. વિદ્યાપીઠની સ્થાપના સાથે તેમણે મહાવિદ્યાલયમાં અધ્યાપન કર્યું અને વિવિધ વિષયો પર મનનીય લેખો લખ્યા. તેમણે પ્રસંગોપાત્ત 'નવજીવન'ના સંચાલનની જવાબદારી સંભાળી અને ‘જોડણીકોશ’ તૈયાર કરવા પાછળ પાંચ વર્ષ ખર્યોં. રાષ્ટ્રભાષા પ્રચારનું કામ પણ તેમણે કરેલું અને 1930માં ગાંધીજી સાથે યરવડા જેલમાં પણ રહેલાં. 1935માં ગુજરાતી સાહિત્ય સંમેલનમાં જીવનનો ઔપ' એ વિષય પર અણે વ્યાખ્યાન આપેલું. કાકાસાહેબ આવન પ્રવાસી હતા. બ્રહ્મદેશ, પૂર્વ આફ્રિકા, જાપાન, યુરોપ રશિયા એમ અનેક દેશોના પ્રવાસો એમણે, કરેલા અને સર્વોદયનો ગાંધીસંદેશ એ દેશોમાં પહોંચાડેલો.

કૃતિઓ 

‘સ્મરણયાત્રા', ‘ધર્મોદય' (આત્મકથા), 'બાપુની ઝાંખી' (જ્વનચરિત્ર), (પ્રવાસ વિષયક) ‘હિમાલયનો પ્રવાસ’, ‘પૂર્વ આફ્રિકામાં’, ‘બ્રહ્મદેશનો પ્રવાસ’, ‘ઊગમણો દેશ - જાપાન', (નિબંધ), ‘વનનો આનંદ', ‘જીવનભારતી', ‘જીવનસંસ્કૃતિ', ‘જીવનવિકાસ’, ‘રખડવાનો આનંદ', ‘કાલેલકરના લેખો 1-2', (પત્ર) - ‘જીવનચિંતન’, ‘નેત્રમણિભાઈને', ‘ચિ.ચંદનને’, ‘ઇતિહાસ- પૂર્વરંગ', (ધર્મ) - ‘ગીતાસાર', ‘ગીતાધર્મ’, ‘ધર્મોદય', ‘જીવનપ્રદીપ', (પ્રકીર્ણ) - ‘જીવનલીલા',ઓતરાતી દીવાલો', ‘જીવતા તહેવારો’, ‘માનવીય ખંડિયેરો’, ‘રવીન્દ્ર સૌરભ’, ‘નારી ગૌરવનો કવિ’, ‘બાપુના પત્રો’, ‘ભારતીય સંસ્કૃતિનો ઉદ્ગાતા’, ‘રવિબિનું ઉપસ્થાન અને તર્પણ', ‘ગીતાપદાર્થકોશ’, ‘પરમ સખા મૃત્યુ', ‘અવારનવાર' વગેરે.

કાકાસાહેબની માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતીમાં એટલું વિપુલ અને સત્ત્વવંતું સાહિત્યસર્જન કર્યું કે ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી' કહ્યા. ગુજરાતી સાહિત્યમાં નિબંધ અને પ્રવાસસાહિત્ય ક્ષેત્રે કાકાસાહેબનું પ્રદાન મૂલ્યવાન છે.

ગાંધીવિચાર અને દર્શનથી પ્રભાવિત હોવા છતાં કાકાસાહેબનું સાહિત્યકાર તરીકેનું વ્યક્તિત્વ અનોખું છે. એમની પાસે વનમાંથી સૌન્દર્ય શોધી લેવાની વિશિષ્ટ દૃષ્ટિ છે અને પ્રત્યેક વસ્તુ-વિષયને આસ્વાઘ બનાવે એવી ૨સાર્ક શૈલી પણ છે. તેમના નિબંધોને ઉત્સાહી શિક્ષક અને સૌન્દર્યદૃષ્ટિ કવિ ઉભયના વ્યક્તિત્વનો સમન્વિત લાભ મળ્યો છે. એમણે મુખ્યત્વે શિક્ષણ, સમાજ, સ્વદેશપ્રેમ, પ્રકૃતિ અને જીવનને સ્પર્શતા નિબંધો લખ્યા છે. ઊંડું ચિંતન, સમૃદ્ધ કલ્પના, સમુચિત અલંકારો અને સજીવ વર્ણનચિત્રોને લઈ એમની ગદ્યશૈલી વિશિષ્ટ આકાર ધારણ કરે છે. એમના નિબંધોની રસળતી ગતિ તેને લલિત બનાવે છે. ક્વચિત્ તેમનો નિબંધ ગદ્યકવિતાની નજીક પહોંચી જાય છે. 'જીવનલીલામાં સંગૃહીત નિબંધોમાં ભારતના જળ સૌન્દર્યનું આહ્લાદક વર્ણન પ્રાપ્ત થાય છે. જેલવાસ દરમ્યાનની તેમની પરિચિત પાત્રસૃષ્ટિ - જેમાં કાગડો, વાંદરો, દેડકો, ખિસકોલી, સમડીઓ વગેરેનો સમાવેશ થાય છે સજીવ બની ઊઠી છે, 'ઓતરાતી દીવાલોમાં- આ સંગ્રહમાં તેમણે પશુપક્ષી અને વનસ્પતિ સાથે એકતાન થઈને પોતાનો પ્રેમભાવ કેવળ માનવજાતિમાં સીમિત ન રાખતાં પ્રકૃતિ સમસ્ત સુધી વિસ્તાર્યો છે. પ્રકૃતિ તેમની નિબંધસૃષ્ટિનું મહત્ત્વનું અંગ છે.

નિબંધોમાં કાકાસાહેબની વિનોદવૃત્તિનો પણ પરિચય પ્રાપ્ત થાય છે. અલબત્ત, તેમનાં હળવા લખાણોની પાછળ જીવનનો કોઈ ગંભીર અને વ્યાપક ભાવ રહેલો હોય છે. તેમનું અવલોકન જેટલું વૈવિધ્યપૂર્ણ અને વિશાળ છે તેટલું જ તેમનું ચિંતન ઊંડું અને તત્ત્વદર્શી છે. તેમના નિબંધોને સામગ્રીની ખોટ કદી પડતી નથી, તેમના નિબંધોમાં સળંગસૂત્રતા ન હોવા છતાં તેમાં તાજગીનો અનુભવ થાય છે. લાલિત્ય તેમના નિબંધોનું મુખ્ય લક્ષણ છે. ગુજરાતી નિબંધ સાહિત્યમાં લલિતનિબંધનો પ્રારંભ સાચા અર્થમાં કાકાસાહેબથી થાય છે.

બીજી બાજુ સળંગ પ્રવાસવર્ણનનાં ચાર પુસ્તકો આપીને તેમણે ગુજરાતી પ્રવાસસાહિત્યમાં એક ઉત્કૃષ્ટ માનદંડ સ્થાપી આપ્યો છે. ‘હિમાલયનો પ્રવાસ’ પ્રવાસસાહિત્યનો એક આદર્શ છે. એમાં લેખકે માત્ર ભૌગોલિક માહિતી નથી આપી પણ પ્રત્યેક સ્થળ પાછળ રહેલ ઇતિહાસ, તેનો મહિમા, ત્યાંનો પ્રકૃતિવૈભવ, ત્યાંનો લોકસમાજ અને ત્યાંના આચારવિચાર સમેત પોતાના અંગત અનુભવોને પણ તેમણે પ્રાસાદિક શૈલીમાં આલેખ્યા છે. સૌન્દર્યદૃષ્ટિ તથા નિહાળેલી સુંદરતાનું સંસ્કારસભર લાલિત્યપૂર્ણ શૈલીમાં આસ્વાદ આલેખન એ લેખકની વિશિષ્ટતા છે. સૌન્દર્યનાં દર્શનમાં કે કલ્પનાના કેફમાં કાકાસાહેબની ઔચિત્યબુદ્ધિ ક્યારેય મંદ પડતી નથી. વિચારશુદ્ધિનો આગ્રહ તેમની વાણીને વિશદ રાખે છે.

ગાંધીજીની આત્મકથા પછી પ્રાપ્ત થતી કાકાસાહેબની આત્મકથા ‘સ્મરણયાત્રા' અને ઘણાં વર્ષો પછી તેના અનુસંધાનમાં મળેલી ‘ધર્મોદય’ ગુજરાતી આત્મકથા સાહિત્યની ઉલ્લેખનીય કૃતિઓ છે. ગુજરાતના ગદ્યવિધાયકોમાં કાકાસાહેબનું સ્થાન પ્રથમ પંક્તિમાં મૂકી શકાય તેમના ગદ્યમાં પાંડિત્ય અને રસિકતા, આદર્શમયતા અને વ્યવહારદક્ષતા, કવિત્વ અને વિનોદનો સુભગ સમન્વય થયો છે. નીતિ અને કલા એકબીજાની અવિરુદ્ધ હોવાં જોઈએ એમ માનનાર ગાંધીશાસનના સમર્થ સર્જક કાકાસાહેબ જીવનધર્મી સાહિત્યકાર તરીકે સદા યાદ રહેશે.