છેલ્લું દેરું
છેલ્લું દેરું, અને તેમાં શેઠ ની જાણ સિવાય સ્થાપિત થયેલ મૂર્તિ ને બધા છેલ્લા ભગવાન કહેતા. પછી જે થયું તે ખુબ જ ચમત્કારી છે .. આજની આ કહાની ખુબ મહત્વ ની છે. અને ભગવાનની લીલા અપરંપાર છે જરૂર સાંભળો. અને કોમેન્ટ મા તમે માનતા હોય તે પ્રભુ નુ નામ જરૂર લખજો,જેથી તેમની કૃપા સૌ ઉપર બની રહે. ચાલો શરૂ કરીએ.રામપરનું તળાવ. તળાવની પાળે વડ અને એની વડવાઈઓ પર આખા ગામના છોકરા હિંચકા ખાય. કેટલાકનો હાથ છૂટી જાય તો પાણીમાં પણ પડે અને રમત રમતમાં તરતા પણ શીખી જાય. નાનકડું ગામ એટલે બધા એક બીજાને અંગત રીતે ઓળખે. કોઈનું છોકરું તોફાન કરતુ હોય તો ગામમાંથી કોઈ પણ વડીલ વઢે તો છોકરાના માબાપને ખરાબ ન લાગે. છેલ્લા કેટલાક વરસોથી ગામ ખાલી થઈ રહ્યું હતું. ગામના નગર શેઠનો દીકરો અમેરિકા ગયો પછી બધા જુવાનિયાઓને પૈસા કમાવવા બહાર જવાની લત લાગી અને ગામમાં માત્ર વૃદ્ધો રહી ગયા.
એક દિવસ શેઠાણીને સરસ વિચાર આવ્યો અને શેઠે એને વધાવી લીધો. તળાવની પાળે મોટું મંદિર બનાવવું અને એમાં નવ દેરા કરવા. નવેયમાં નવ ભગવાન. એના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં બધાને ભેગા કરવા અને દર વર્ષે એ જ દિવસે ભેગા થવાનો મહિમા ઉભો કરવો. રજૂઆત થતાં જ ધાર્યા કરતા વધારે ફાળો ભેગો થઈ ગયો. શહેરમાંથી આર્કિટેક્ટ આવ્યા નકશા બન્યા અને કામ શરુ પણ થઈ ગયું. ગામ આખું વખતો વખત મંદિરના કામ માટે હાજર થઈ જતું. પાયા જલ્દી ખોદાઈ ગયા કારણકે બધા તગારા ઉપાડવા લાગ્યા. પ્લીન્થ સુધી તો કામ ફટાફટ આવી ગયું. હવે સલાટો પથ્થરની ઘડાઈ કરતા હતા. શેઠને વિચાર આવ્યો,"મૂર્તિનો ઓર્ડર આપી દેવો પડે. બાકી મંદિર તૈયાર હશે અને ભગવાનની વાટ જોવી પડશે." શેઠ જયપુર ગયા અને મૂર્તિનો ઓર્ડર પણ અપાઈ ગયો.
સલાટો માટે સવાર સાંજ ભાવતા ભોજન આવતા. મંદિરના થાંભલા બન્યા અને તેનું નક્સી કામ દેલવાડાને ટક્કર મારે તેવું થયું.એક દિવસ સમાચાર આવ્યા કે અચાનક આર્કિટેક્ટનું હૃદયબંધ પડી ગયું, એના આઘાતમાં શેઠને પેરાલીસીસનો એટેક આવ્યો. મંદિરના મુખ્ય બે કર્તાહર્તા ખસી ગયા. મંદિર બની ગયું. મૂર્તિઓ આવી. એક વિચિત્ર પથ્થર પણ જોડે આવ્યો.ચમકીલો, લાલમાં કથ્થાઈ ઝાંય વાળો ગ્રેનાઈટ. નવ દેરામાં નવ ભગવાન મુક્યા પછી એક દેરું પણ ખાલી હતું. શેઠ બોલી શકે તેમ હતા નહિ. બધાએ સમજી લીધું કે આ કોઈક ભગવાનનું સ્વરૂપ છે જે જયપુરમાં પૂજાય છે પણ આપણને ખબર નથી. વાજતે ગાજતે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. શેઠના ખુબ વખાણ થયા. શેઠના દીકરા સોહમને બધાએ શેઠ સાજા થઈ જાય ત્યાં સુધી રોકાઈ જવા સમજાવ્યો. અને પેલા ભગવાનને બધા છેલ્લા ભગવાન તરીકે ઓળખવા લાગ્યા, કારણકે તેમનું દેરું છેલ્લું હતું. એ ભગવાનને કોઈ દૂધ તો કોઈ તલ ચડાવતું, કોઈ તેલ તો કોઈ કમળ પણ ચડાવતું. છેલ્લા ભગવાનની પૂજા દરેકની શ્રદ્ધા મુજબ થતી.એક વિચિત્ર વાત એવી પણ બની કે છેલ્લા ભગવાનની માનતાઓ પણ સહુથી વધારે ફળતી. સોહમે પણ શેઠના સારા થવાની માનતા રાખી. અને માનતા ફળી પણ ખરી. સાડા ત્રણ મહિનામાં શેઠ સાજા થઈ ગયા. એકાદ અઠવાડિયા પછી તેમને મંદિર લઈ જવાયા. પેલું છેલ્લું દેરું જોઈને તે બેસી પડ્યા. "લ્યો તો અંતે દસ દેરા બની જ ગયા? મેં કેટલી ના પાડી હતી પેલા આર્કિટેક્ટ ને." સોહમે પેલી છેલ્લા ભગવાન વાળી વાત કરી એટલે તેમને વધારે નવાઈ લાગી. તેમણે મૂર્તિ વાળાને ફોન કર્યો,"ભાઈ, કેમ છો તમે. તમારી મૂર્તિ તો જાણે સાક્ષાત ભગવાન જેવી જ લાગે છે. પણ તમે ભૂલથી એક પથ્થરની મૂર્તિ વધારે મોકલી આપી છે અને એના પૈસા લીધા નથી." મૂર્તિ વાળો મૂંઝવણમાં મુકાયો. તેને કાંઈ સમજાયું નહિ એટલે શેઠે મૂર્તિનું વર્ણન કર્યું. પેલો હસ્યો,"અરે શેઠ, એ તો રસ્તો સારો ન હતો અને થોડીક જગ્યા પડતી હતી એટલે ખાલી ટેકા માટે એ પથ્થર મુક્યો હતો. એનો આકાર તો કોણે જોયો હોય? અને એના પૈસા પણ લેવાના નથી. બીજું કોઈ કામ હોય તો જણાવશો." શેઠ અચંબામાં પડી ગયા
. તેમણે પથ્થરને ધારીને જોયો. તેમને પણ વિશ્વાસ આવ્યો કે,"પથ્થર ને જયારે પુજાવું હોય ત્યારે તે એની જગ્યા કરીજ લે છે."
Post a Comment