-->

Join WhatsApp

સાચો અમીર કોણ?

 
એક જમીનદાર હતો. બાપદાદા તરફથી ઘણી બધી જમીન જાયદાદ એને વારસામાં મળેલી. એમાં એણે પોતે પણ એટલો બધો વધારો કરેલો કે , આસપાસના સેંકડો ગાઉ સુધી, એના જેટલું શ્રીમંત બીજું કોઈ જ નહોતું. એ ગામની ચારે તરફની સીમાઓની આગળ સુધીની જમીન પણ એની જ હતી. આટલી બધી જમીનને ખેડવા અને સાચવવા માટે એણે ઘણા બધા ખેતમજૂરોને રાખ્યા હતા.એક દિવસ સાંજના સમયે ઘોડા પર બેસીને એ પોતાનાં ખેતરોમાં ફરવા નીકળ્યો. ચોમાસું હજુ પૂરું જ થયું હતું.  નજર પહોંચે ત્યાં સુધી લીલાંછમ ખેતરોમાં પાક લહેરાતો હતો. એ દૃશ્ય જોતાં જ એનું મન આનંદ અને અભિમાનથી છલકાઈ ગયું. આ પ્રદેશમાં પોતે સૌથી અમીર છે.એ વાતના ગર્વથી એની છાતી ફૂલાવા લાગી. એ વખતે પવન એવો સરસ વાતો હતો કે એની શીતળતાની મજા લેવા, એ બાજુમાં આવેલા પોતાના જ ખેતરનો ઝાંપો ખોલીને અંદર દાખલ થયો.એ ખેતરનું ધ્યાન રાખવા એણે મોહન નામના ખેતમજૂરને રાખેલો. મોહન ખૂબ જ સરળ અને ભલો માણસ હતો. એ હંમેશાં પોતાના કામથી કામ રાખતો, અને પોતાની દુનિયામાં જ મસ્ત રહેતો. એની યુવાનીમાં એણે જમીનદારનું ખૂબ જ કામ કરેલું. મોહન ના ખેતરનો પાક હંમેશાં અન્ય ખેતરો કરતાં ગુણવત્તા અને જથ્થો એમ બંનેમાં ચડિયાતો રહેતો. પણ હવે મોહન ની અવસ્થા થવા આવી હતી. એનાથી હવે પહેલાંના જેટલું કામ નહોતું થઈ શકતું. તો પણ બીજા કોઈ ખેતરથી એના ખેતરનો પાક ઓછો કે ઊતરતો નહોતો જ થતો. બીજાની બરોબરીમાં ઊભો રહી શકે તેટલું કામ તો તે કરતો જ હતો., એટલે જ જમીનદારે એના બદલે બીજા ખેતમજૂરને નહોતો રાખ્યો.જમીનદાર ખેતરમાં પ્રવેશ્યો ત્યારે મોહન સાંજનું  ભોજન કરવાની તૈયારી કરી રહ્યો હતો. જમીન પર પાથરણું પાથરી, એના પર ભોજનની થાળી ગોઠવીને, એ ભગવાનને પ્રાર્થના કરવામાં મશગૂલ થઈ ગયો હતો. જમીનદાર ઘણી વાર ઊભો રહ્યો. પ્રાર્થના પૂરી કરીને મોહન જમવાનું શરૂ કરવા જતો હતો ત્યાં જ,એની નજર જમીનદાર પર ગઈ. પોતાના માલિકને જોતાં જ એ ઊભો થઈ ગયો. સલામ કરી અદબથી હાથ જોડીને એ બોલ્યો, 'મને માફ કરજો માલિક! ભગવાનનો આભાર માનવામાં હું એટલો બધો ખોવાઈ ગયો હતો કે તમે આવ્યા છો તેનો ખ્યાલ જ ન રહ્યો!!‘ભગવાનનો આભાર? શેના માટે?' જમીનદારે પૂછ્યું.‘મને આટલું સરસ ભોજન આપવા માટે!” મોહને જવાબ આપ્યો.કાયમ બત્રીસ ભોજન અને તેત્રીસ શાક ભરેલી થાળી આરોગતા જમીનદારે મોહન ની થાળીમાં નજર કરી. સૂકો બાજરાનો રોટલો, થોડુંક દહીં, મરચાંની ચટણી અને ડુંગળીનો દડો એટલી વસ્તુ એમાં હતી. મોહનના ભોજન પર તુચ્છકારભરી દૃષ્ટિ નાખીને જમીનદાર બોલ્યો, ‘જો આવું ગંદું ભોજન મને મળતું હોય તો હું તો ભગવાનનો ક્યારેય આભાર ન જ માનું!"મોહન કોઈ પણ જાતનો પ્રતિભાવ આપ્યા વિના હાથ જોડી, મસ્તક નમાવીને ઊભો રહ્યો. થોડી વાર પછી બોલ્યો, 'માલિક, તમે ઘણા સમયે તમારા આ ખેતરમાં આવ્યા છો એ મારું અહોભાગ્ય છે. આજે મારી ઇચ્છા તમારો પણ આભાર માનવાની હતી. મારે તમારો આભાર માનવો છે, અને એક વાત પણ કહેવી છે. આભાર એટલા માટે માનવો છે કે, આટલાં બધાં વરસ તમે મને તમારા ખેતરમાં આશ્રય આપીને મારી જિંદગીની બધી તકલીફો દૂર કરી દીધી છે. મારા એકલા જીવને જોઈતું બધું જ તમે આપ્યું છે. હવે મારી જિંદગીમાં કોઈ કરતાં કોઈ જ ખોટ નથી રહી. અને તમને જે વાત કરવી છે તે એ છે કે આજે વહેલી સવારે મને એક સ્વપ્ન આવ્યું હતું. એમાં મેં એક દેવદૂતને એવું કહેતાં સાંભળ્યો હતો કે, આવતી કાલની સવાર પડે તે પહેલાં આ પ્રદેશના સૌથી અમીર માણસનું મૃત્યુ થશે!” એટલું કહીને ફરીથી મોહન માથું નમાવીને ઊભો રહી ગયો.તારા જેવા મૂર્ખાઓ જ સપનાની વાતો પર વિશ્વાસ કરતા હોય છે. હવે તું સાઠ વરસનો થઈ ગયો છે, એવું લાગે છે કે તારી બુદ્ધિ પણ હવે ઓછી થઈ ગઈ લાગે છે!” એવું તિરસ્કારથી બોલીને જમીનદાર ઘોડા પર સવાર થઈ ગયો. ગમે તે થયું પણ હવે ઠંડી હવા ખાવાની એની ઇચ્છા સાવ મરી પરવારી હતી. ઘોડા પર સવાર થઈને એ ઘરે પાછો આવવા નીકળી પડ્યો. મોહને આકાશ સામે જોયું, પછી બે હાથ જોડીને પ્રાર્થના કરી.આ બાજુ ઘરે આવ્યા પછી જમીનદારનું મન એકદમ બેચેન થઈ ગયું હતું. મોહન ના શબ્દો વારંવાર એના મનમાં પડઘાતા હતા, કારણ કે આ વિસ્તારનો સૌથી અમીર માણસ તો જમીનદાર પોતે જ હતો. આજુબાજુના સેંકડો ગાઉ સુધી એના જેટલો વૈભવ કોઈ પાસે નહોતો. અને મોહન ના સપનામાં આવેલા દેવદૂતના શબ્દો મુજબ. આ વિસ્તારના સૌથી વધારે અમીર માણસનું મૃત્યુ બીજા દિવસની સવાર પડે તે પહેલાં થવાનું હતું!. એ પોતે ક્યારેય સપનાંઓ પર વિશ્વાસ કરતો નહોતો., પણ આજે ન જાણે કેમ, જેટલી વખત એ આ શબ્દોને મનમાંથી હાંકી કાઢતો હતો,એટલી વાર એ શબ્દો વાવાઝોડાની જેમ, પાછા એના મનમાં ભરાઈ જતા હતા. સપનાંઓમાં ક્યારેય ન માનનાર જમીનદાર ધીમે ધીમે… ક્યાંક આ વાત સાચી પડે તો? એવો ધ્રાસકો અનુભવી રહ્યો હતો. એ રાત્રે એને પોતાનાં બત્રીસ ભોજન અને તેત્રીસ શાક સાવ ફિક્કાં લાગ્યાં. જીવ ક્યાંય લાગતો જ નહોતો. સૂવાનો પ્રયત્ન કરી જોયો પણ એય વ્યર્થ! કંટાળીને એણે પોતાના પ્રદેશના સારામાં સારા વૈદ તેમજ દાક્તરોને બોલાવવા માટે માણસોને રવાના કર્યા. દાક્તરો તેમજ વૈદોએ આવીને જમીનદારને નખશિખ તપાસી જોયો. એ સૌને કોઈ કરતાં કોઈ જ એવું કારણ ન દેખાયું કે,જેનાથી એની જિંદગીને ટૂંક સમયમાં જ જોખમ હોય. એમાંના કેટલાકે તો આવી વાહિયાત વાત પર ભરોસો મૂકવા બદલ એના પર વ્યંગ પણ કરી લીધો. છતાં પણ સાવચેતી માટે એ આખી રાત સૌએ જાગતા જ પસાર કરવી એવું નક્કી કરવામાં આવ્યું. રાત વીતી. વાતો કરતાં કરતાં સવારના છ વાગવા આવ્યા. મોહન નું સપનું અને જમીનદારનું એ સપનાને સાચું માનવું એ બેય વસ્તુઓ મશ્કરીનો મુદ્દો બની ગઈ. ચા-પાણી પીને બધા છૂટા પડવાની તૈયારીમાં હતા ત્યાં જ એક મજૂર દોડતો આવ્યો. જમીનદાર સામે આવીને હાંફતા હાંફતા એણે સમાચાર આપ્યા કે, માલિક! આપણો ખેતમજૂર પેલો મોહન હતો ને,એ આજે સવારે ચાર વાગ્યાની આસપાસ મૃત્યુ પામ્યો!! ત્યાં ઊભેલા સૌ મૂંગા થઈ ગયા. નતમસ્તકે જમીનદાર સાંભળી રહ્યો. એ વિચારતો હતો કે એ બંનેમાં શું મોહન વધારે અમીર હતો? કઈ રીતે?…દુનિયા આખીનો વૈભવ મળે પણ ભગવાન ન મળે તો આત્માની ગરીબાઈ ક્યારેય મટતી નથી. જમીનદાર હોવા છતાં એ માણસ ભિખારી જ રહે છે. મોહન તો એ સરહદો પાર કરી ગયો હતો. ખરો અમીર તો એ જ હતો.