મોબાઇલમાં કોઇપણ એપ ડાઇનલોડ કરતાં પહેલા આટલું ધ્યાન રાખો
મોબાઇલમાં કોઇપણ એપ ડાઇનલોડ કરતાં પહેલા આટલું ધ્યાન રાખો, નહીંતર તકલીફમાં મુકાશો
સાયબર ક્રાઇમ અને ડેટા ચોરીના વધતા બનાવોના પગલે મોબાઇલ યુઝર્સ પણ સિકયુરિટી અંગે જાગૃત થઇ રહ્યા છે. તેમ છતાં થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતી વખતે મુંઝવણ સર્જાય છે કે એપ ડાઉનલોડ કરવી કે નહી ?.
ચાલો આપણે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીએ જે આ મૂંઝવણનનું મોટા પ્રમાણ માં સમાધાન કરશે. કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતી વખતે, જો કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો થતા ફ્રોડ અને બીજા ગણા જોખમોથી બચી શકાય છે.
તમારા ફોનને વાઇરસ અને હેકર્સથી બચાવવા માટે પ્લે સ્ટોરમાંથી કોઇ એપ ડાઉનલોડ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
આઈકોન અને સ્પેલિંગ
ગૂગલ પ્લે સ્ટોર પર કોઇ એપ સર્ચ કરતી વખતે તમને સર્ચ લિસ્ટમાં અનેક એપ મળે છે. એમાં નકલી એપ પણ હોય છે. તેની ઓળખ માટે આઇકોન સાથે સ્પેલિંગ પર પણ ધ્યાન આપો. સ્પેલિંગ કે આઇકોનમાં ગરબડ જણાય તો તેને ડાઉનલોડ ન કરો.
કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ કરતી વખતે, તેના નામ પર વિશેષ ધ્યાન આપો. મોટે ભાગે જોવા મળે છે કે બોગસ એપ્લિકેશનનું નામ કોઈ પોપ્યુલર એપ્લિકેશન જેવા નામથી રાખવામાં આવે છે. તેથી યુઝર તેને જેન્યુઇન સમજી ડાઉનલોડ કરે છે. એપના નામનો સ્પેલિંગ,લોગોનો રંગ અને ડિઝાઇન ધ્યાનથી જુવો.કેટલીક વાર બોગસ અને સાચી એપ્લિકેશનના નામ-ડિઝાઇનમાં નજીવો તફાવત હોય છે.
એડિટર ચોઈસ ચકાસો
કોઇ પણ મોબાઇલ એપને ઇન્સ્ટોલ કરતાં પહેલાં તેના એડિટર ચોઇસ અને ટોપ ડેવલપર્સને અવશ્ય ચકાસો. એપની અધિકૃત વેબસાઇટ પર જાવ અને તમામ જાણકારી પ્રાપ્ત કરો. આમ કરવાથી તમે નકલી એપ ડાઉનલોડ કરવાથી બચી શકશો.
એપના ડેવલપર્સ સહિતની વિગતો કાળજીપૂર્વક વાંચો. ઘણા બોગસ એપ્લિકેશનના ડેવલપર્સ ઓરિજનલ એપ્લિકેશનના ડેવલપર્સના નામની પણ નકલ કરે છે. તેથી ચેક કરો કે ડેવલપર્સના નામની આગળ કોઇ સ્પેશિયલ કેરેકટર્સ તો લખેલા નથી ને? પ્લે સ્ટોર પરની તમામ એપ્લિકેશનોમાં તેને ડાઉનલોડ કરનાર યુઝર તેને રેટિંગ આપી શકે છે.તેમજ રિવ્યું પણ લખી શકે છે.
ઇન્સ્ટોલ કાઉન્ટ ચેક કરો
એપ કેટલી વાર ડાઉનલોડ કરવામાં આવી છે તે જુઓ. ઓરિજનલ એપને દુનિયાભરમાં કરોડો વાર ડાઉનલોડ કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે નકલી એપના ઇન્સ્ટોલ કાઉન્ટ પણ ઓછા હશે.આથી સૌ પ્રથમ તો તેને કેટલી વાર ડાઉનલોડ કરવામાં આવી છે તે જાણ્યા પછી જ એપ ઇન્સ્ટોલ કરો. કોઈ પણ એપ ને સીધી રીતે ચેક કર્યા સિવાય ઇન્સ્ટોલ કરવામાં જોખમ રહેલું છે.
યુઝર્સ રિવ્યુ વાંચો
નકલી એપને ઓળખવા માટેની એક રીત યુઝર્સ રીવ્યૂને વાંચવાની છે. અલબત્ત, ઘણા રીવ્યૂ નકલી પણહોય છે. જોકે કેટલાક રીવ્યૂ એવા પણ મળે છે જે એપ
અંગે સાચી જાણકારી આપે છે. જે એપ પર નેગેટિવ કોમેન્ટ હોય, તેને ડાઉનલોડ ન કરો.જ્યારે પણ તમે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગતા હો, ત્યારે રેટિંગ જોઇ લો અને થોડા રિવ્યુ પણ વાંચો.
જો રિવ્યુ અને રેટિંગ સારા હોય તો જ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. કોઈ પણ બોગસ એપ્લિકેશનથી તમારા ફોનને દૂર રાખવા માટે સારા એન્ટિવાયરસનો ઉપયોગ કરો. આ ઉપરાંત સિસ્ટમ અને સોફટવેર અપડેટ પણ નિયમિત કરો.સૌથી સારો ઉપાય એ છે કે બને ત્યાં સુધી થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાનું ટાળો.તમારી પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો.
Post a Comment